ભ્રષ્ટાચારના કેસમાં ઈમરાન ખાન અને પત્નીને 14 અને 7 વર્ષની કેદ
ભ્રષ્ટાચારના કેસમાં ઈમરાન ખાન અને પત્નીને 14 અને 7 વર્ષની કેદ
Blog Article
પાકિસ્તાનની એક કોર્ટે 190 મિલિયન પાઉન્ડના અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને અનુક્રમે 14 અને સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટે બંનેને ભ્રષ્ટાચારમાં દોષિત ઠેરવ્યા પછી આ સજા સંભાળવી હતી. સજા સંભળાવ્યા બાદ બુશરા બીબીની કોર્ટમાંથી ધરપકડ કરાઈ હતી.
ભ્રષ્ટાચાર વિરોધી અદાલતના ન્યાયાધીશ નાસિર જાવેદ રાણાએ આદિલા જેલમાં સ્થાપિત કામચલાઉ અદાલતમાં ચુકાદો જાહેર કર્યો હતો. આ જેલમાં ઇમરાન ખાન હાલમાં બંધ છે. ઇમરાન ખાન 2022માં સંસદમાં વિશ્વાસ મત ગુમાવ્યા પછી ડઝનેક કેસોનો સામનો કરી રહ્યા છે. ઇમરાન ખાનને “ભ્રષ્ટ વ્યવહાર” અને “અધિકારનો દુરુપયોગ” માટે દોષિત ઠેરવવામાં આવ્યાં હતા, જ્યારે તેમની પત્નીને “ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંડોવણી” માટે દોષિત ઠેરવવામાં આવી હતી.
ઓગસ્ટ 2023થી જેલમાં રહેલા ઇમરાન ખાનને 10 લાખ રૂપિયા અને બીબીને અડધા મિલિયન રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. દંડ ભરવામાં નિષ્ફળતા પર ખાનને વધારાની છ મહિનાની અને બીબીને ત્રણ મહિનાની જેલની સજા થશે. કોર્ટે તેમના દ્વારા સ્થાપિત અલ-કાદિર યુનિવર્સિટીની જમીન જપ્ત કરવાનો આદેશ પણ આપ્યો હતો.
ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના સમર્થકો અને નેતાઓએ સંસદ ભવન બહાર વિરોધી દેખાવો કર્યા હતા. તેમણે પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે તેમની મુક્તિની માંગણી કરી હતી.
ઇમરાન ખાને જણાવ્યું હતું કે “આજના ચુકાદાએ ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે, આ કેસમાં ન તો મને ફાયદો થયો અને ન તો સરકારને નુકસાન થયું હતું. મને કોઈ રાહત નથી જોઈતી અને હું તમામ કેસોનો સામનો કરીશ. એક સરમુખત્યાર આ બધું કરી રહ્યો છે.”
પીટીઆઈના નેતાઓએ આ ચુકાદાને અન્યાયી, શરમજનક અને રાજકીય કિન્નાખોરી ગણાવીને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. ઇમરાન ખાન ચુકાદા સામે હાઈકોર્ટમાં અને જો જરૂર પડે તો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે.